સુરત: સોશિયલ મીડિયા લોકો માટે ઘણું ઉપયોગી છે પરંતુ કેટલાક ઈસમો આ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતા હોય છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે એક ઈસમની ધરપકડ કરી છે. આ ઇસમે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીના ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.
સોશિયલ મીડિયા ગણતરીના સમયમાં કોઈ પણ માહિતી હજારો લોકો સુધી પહોંચાડી દે છે. એટલે એક રીતે સોશિયલ મીડિયા લોકોની મદદ માટે ખૂબ જ સારું માધ્યમ છે પરંતુ ઘણા લોકો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખોટી રીતે કે, કોઈને બદનામ કરવા માટે કરતા હોય છે. ત્યારે આવી જ ઘટના સુરતમાં સામે આવી છે કે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેક અકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાં યુવતીના ફોટો મૂક્યા હતા.
આ ઉપરાંત આ ઇસમે ફરિયાદીના અન્ય કેટલાક ફોટો મોર્ફ કરીને તેને બીભત્સ ફોટો બનાવ્યા હતા. ત્યારબાદ આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તેથી આ સમગ્ર મામલો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને પોલીસે યુવતીની ફરિયાદ લઈ સમગ્ર મામલે તપાસ કરી યુવતીને બદનામ કરનાર ઇસમની ધરપકડ કરવામાં આવી છે.
સુરતની સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી હતી કે, એક અજાણ્યા ઇસમે નવેમ્બર 2021થી યુવતીના નામથી ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. આરોપીએ પટેલ શીતલ અને સેજલ ગામિત નામના ફેક એકાઉન્ટ માંથી યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું તને જેમ કહું તેમ તારે કરવું પડશે અને જો તું આ રીતે નહીં કરે તો હું બીજા ફોટોગ્રાફ્સને બીભત્સ રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી આપીશ.
જેથી યુવતીએ સમગ્ર મામલે પોલીસને ફરિયાદ આપતા સુરત સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી હતી. પોલીસના ટેકનિકલ સર્વે લેન્સના આધારે બાતમીના આધારે પોલીસે જગદીશ પ્રકાશ મકવાણા નામના ઇસમની ધરપકડ કરી છે. આ ઈસમ બોટાદ તાલુકાના ખાંભડા ગામમાં રહે છે અને તેની ઉંમર 20 વર્ષની છે. આરોપી સામે અગાઉ બરવાળા પોલીસ સ્ટેશન, વ્યારા પોલીસ સ્ટેશન અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ થયા છે.